અમારા પડોશી, પ્રોફેસર સાહેબ મારી નવી કવિતા વાંચી થોડા દિવસ પહેલા બોલેલા, ‘ઓંહ,આ તો અછ્ન્દ્સ રચના છે!’ જાણે કોઈ ‘શુદ્ર્’ શબ્દ બોલતું હોય તેમ લાગેલ.
‘કેમ?’ મારાથી પૂછાઈ ગયેલ. ‘એ તો, છંદ્સ રચના કરવી સહેલું નથી. ખાસ તો ડોકટરો નું કામ નહી!’સાંભળી ને મનમાં ખોટું તો ઘણુંય લાગ્યું હતું પણ બોલાય તેમ પણ ક્યાં હતું? આપણે એક પણ છંદસ રચના કરી હોયતો ને!
આજે રવિવારે અચાનક થયું ચાલો આજ છંદ્સ રચના કરવા પ્રયત્ન કરું! કાગળ પેન લઈ વહેલા સવારમાં હિંચકે બેઠો. છંદ નાં બંધારણ અલગ કાગળ મા લખી સાથે રાખ્યા.એક સ્વરચિત અછ્ન્દ્સ કાવ્ય ને છંદ્સ બીબા મા ઢાળવા બેઠો. વિચાર્યું કલાકમા એક સરસ છંદ્સ રચના તૈયાર કરી નાખું! અને પ્રોફેસર સાહેબ ને બતાવું(માથે મારું)!
મને છંદ પ્રત્યે કોઈ લગાવ તો હતો નહી. પરીક્ષા પહેલા તૈયાર કરતાં એટલું જ જ્ઞાન. સ્વરચિત અછ્ન્દ્સ કાવ્ય વાંચી જોયું તો કોઈ છંદ મા બેસે તેવું લાગ્યું નહી. છંદનાં કોઈ પણ બંધારણ ની નજીક નાં સગામાં પણ આવે તેવું નાં લાગ્યું. હવે મારું અછ્ન્દ્સ કાવ્ય ઢાળવું ક્યાં છંદમાં? બધા છંદ ના નામ એક વાર વાંચી ગયો. ‘મંદાક્રાન્તા’ નામ સારું લાગ્યું. સાઉથની હિરોઈન જેવું! કલાપીજી નાં કાવ્યમા પણ આ નામ ખાસ જોયેલું. થયુ કે ગમે તે છંદ પસંદ કરવાનો જ છે તો ‘મંદાક્રાન્તા’ કેમ નહી!.કાગળ માંથી બંધારણ ટપકાવ્યું….
‘…ગાગાગાગા, લલલલલગા, ગાલગાગાલગાગા.. ..’
ફટાફટ ગાગા ગાગા પર શબ્દો યાદ કરવા માંડ્યો. ઢગલો શબ્દો મળી ગયા! હવે તેને મેળ ખાય તેવો બીજો શબ્દ .. લલલલલગા.. પરથી ગોતવા નું શરુ કર્યું.પહેલો ઝટકો લાગ્યો…માંડ એકાદ શબ્દ નું ઝુમખું મળ્યું. માત્રા નો મેળ પણ બેસાડ્યો. છેલ્લે. …..ગાલગાગાલગાગા… પરથી અર્થસભર શબ્દો ગોઠવી કાવ્ય ની પ્રથમ લાઈન તૈયાર કરી. બીજી પંક્તિ ગોઠવતા રીતસર મગજ ને થાક લાગ્યો! ત્રીજી પંક્તિ પતાવતા કુરુક્ષેત્રમાં અર્જુન ના ગાત્રો ઢીલા પડતા તેને શું અનુભવ થયો હશે તે પણ ખબર પડી ગઈ!
આગળ એક ધ્યાન થવાય તે પહેલા અમારા પ્રિય મિત્ર ‘બાપુ’ નો અવાજ આવ્યો ‘કાં શું કરેછે?’બાપુ અમારી સાથે એક જ શહેરમાં અલગ કોલેજ મા ભણતા.અમારે એક બીજાને તુંકારે બોલાવવા ની હજી છૂટ ચાલે છે. હું બાપુ તમે કહેતો (બાપુ જોડે ‘તું’ અછંદસ ના લાગે!). હા ગુસ્સે થઈએ તો બાપુડિયા ‘તું’કહેવાની છૂટ રાખેલી!
‘કવિતા લખુ છું’ મેં ગર્વથી કહ્યું. ‘છંદ્સ!’ પાછું તરત ઉમેર્યું.
‘છંદ વાળી કવિતા લખાવી છે? તો એમ બોલને, મારી પાસે કવિ કલાપીની ચોપડી છે મોકલું?’ બાપુએ પણ એટલા જ ગર્વ થી જવાબ આપ્યો.
‘હું કવિતા લખુ છું’ મેં વાત ફરી દોહરાવી..
‘લખવા કરતાં મારી ચોપડી માંથી ઝેરોક્ષ કરાવી લે ને! માથાફોડ શું કરે છે!’
‘બાપુ હું કવિતા લખુ છું એટલે કે હું જાતે નવી કવિતા રચુ છું.’ મેં બાપુ ને વાતનો ફોડ પાડ્યો
બાપુ થોડી વાર આશ્ચર્ય થી મારી સામે જોઈ રહ્યા પછી જોરથી ખડખડાટ હસી ને બોલ્યા, ‘તારે ક્યાં કોઈ દુઃખ તૂટી પડ્યું છે કે હદય ફૂટી ગ્યું છે તે કવિતા લખવી પડે.’ પાછા થોડું અટકી આગળ બોલ્યા, ‘કેમ ધંધા પાણી નબળા છે? પેશન્ટ જોવામાં ધ્યાન રાખજે આ કવિતા ની લ્હાયમાં એકાદું ઉપડી નાં જાય!’
‘એમ તો બાપુ આ લખી કવિતા, જુઓ! આ “અછ્ન્દ્સ” અને આ ત્રણ લાઈન એમાંથી બનાવેલી “છ્ન્દ્સ” રચના’ મેં ગર્વ થી બાપુ ને કાગળ બતાવ્યો.
બાપુ એ વાંચીને ભવા ચડાવી બોલ્યા,’ આમાં બાવાના બેય બગાડ્યા, એકય માં ઠેકાણા નથી પડતા.’
હવે મારા મોઢે ‘બાપુડિયા’ શબ્દ નીકળવાનો જ હતો ત્યાં શ્રીમતીજી નો અવાજ આવ્યો, ‘શું પાછું મંડયા છો બે જણા? ભેગા થયા નથી ને બાખડ્યા નથી!’
‘ધારું તો હુંય રોજના આવા કેટલાય છંદ લખી શકું પણ એમાં આ દિલ અને મગજ કેટલાય ઘસાઈ જાય. ખબર નથી આ કલાપી એમાંજ તો નાની ઉમરમાં ઉપડી ગયા!!!, આ હમણાં પાછો આવું છું’ કહી બાપુ ઝડપથી અદ્રશ્ય થઈ ગયા! છંદ લખવામાં કલાપી ઉપડી ગયા તે વાત સાંભળી મેં પેન બાજુમાં મૂકી દીધી!
ત્યાં તો મારી દીકરી બાજુમાં આવી બેસી ગઈ અને બોલી, ‘રવિવારે પણ આ શું કાગળિયા લઇ બેઠા છો?મારી જોડે વાત કરો!’
કાગળ હાથ માં લઇ દીકરી વાંચતા વાંચતા બોલી, ‘આ તો મંદાક્રાન્તા છંદ છે. પપ્પા મને આવડે છે! તમને ખબર છે, મને પરિક્ષામાં છંદના કાયમ પુરા માર્ક્સ આવે! હું તમને યાદ રાખવાની ટ્રીક શીખવાડી દઈશ.’
‘એતો બરોબર બેટા, પણ હું મંદાક્રાન્તા છંદ માં હાથે કવિતા બનાવું છું. ચાલ મદદ કર!’ મને લાગ્યું કે એમ કરતા કદાચ ચોથી લાઈન રચાઈ જાય
‘પપ્પા પરીક્ષામાં એવું ના પુછાય!, કવિતા તો આપેલ હોય, આપણે છંદ ઓળખવાનો હોય.તમે કોર્ષ બહારની મહેનત ના કરાવો, આવડે છે તે ય ભુલાવી દેશો.’ એમ બોલી દીકરી પાછા ભણવા જતા રહ્યા!
પાછુ મેં છન્દસ કાવ્યની રચના આગળ વધારવા મહેનત ચાલુ કરી. કેટલીય વાર નજર ફેરવવા છતાંય હવે ગાડી આગળ ચાલી જ નહી. મારી અછ્ન્દ્સ રચના નબળી છે તેવું મારાથી તો વિચારાય પણ કેમ? આ છંદનું બંધારણ રચનાર ની ભૂલ કાઢવાનો પણ કોઈ મતલબ ન હતો! મને થયું કે મંદાક્રાન્તા ને બદલે બીજા કોઈ છંદ પર પ્રયત્ન કરું તો કેવું રહે?
અચાનક મને લાગ્યું કે મને કોઈ બ્રહ્મજ્ઞાન થયું! કવિ કલાપી એક કાવ્ય માં ત્રણ ચાર લીટી એ છંદ કેમ બદલાતા હશે તે હું જાણી ગયો! બોસ, તેઓ પણ મારી જેમ ભીડાતા હશે એટલે જ છંદ બદલી નાખતા હશે!
હવે સ્ત્રગ્ધારા છંદ પસંદ કર્યો. પાછી મથીને ચાર લાઈન થઈ ને પીંછા ખરી ગયા!
હવે જીવ પર આવીને લગભગ મોટેથી ‘લગા લગા લગા લગા’ મોઢેથી અવાજ નીકળવા લાગ્યો.
શ્રીમતીજી રસોડામાંથી આવી બોલ્યા, ‘શું દીકરી કોઈ ગીત ઓળખવાનું કહી ગઈ છે?’
અમારી દીકરી ને ખબર કે મને ફિલ્મના ગીત યાદ ઓછા રહે છે એટલે ઘણીવાર તે મારી પરીક્ષા લેવા ગીત ના મુખડા, ગાયકનું નામ, ફિલ્મનું નામ પૂછતી. મોટેભાગે શ્રીમતીજી ની મદદ થી હું જવાબ ગોતતો.
મારા જવાબ ની રાહ જોયા વગર શ્રીમતીજી એ રસોડામાંથી મને ક્લુ આપી, ‘લગા લગા લગારે…. લગા પ્રેમ રોગ….પાયલ છાન્કાઈ…, ચૂડી ખનાકાઈ….., પિયા બેચેનીકા જોર રે……આ તો ફિલ્મ ‘મેને પ્યાર કયું કીયા’ નું ગીત છે…’!!
. ‘થેંક્યું’ મેં મોટેથી કહયું. મને ફાળ પડી કે પાછા શ્રીમતીજી મારી છંદ્સ્ત કવિતા પ્રકરણ વિષે જાણશે તો શું શું સાંભળવું પડશે!
વરસાદ ચાલુ થયો. પવનના જોરથી મારા થોડા પાના ઊડ્યા. બાકીની પંક્તિઓ ને ભગવાન ભરોસે મૂકી હું ઉભો થયો.
બગીચામાં થી કાગળ લઇ ધીમેધીમે ઘરમાં દાખલ થયો. ડાઈનીંગ ટેબલ સુધી આવી પાછળ ફર્યો. છેક બહાર થી મારા ભીના માટીવાળા સ્લીપરના ‘ફૂટપ્રિન્ટ’ પડેલા દેખાયા. બધા બે-બે ની જોડમાં હતા. ઉંબરા સુધી આઠ જોડ પગલા અને ઉંબરા પછી બીજા આઠ જોડ! છેલ્લી જોડ માં છેલ્લુ પગલું સાવ ઝાંખું. અરે આ તો ‘સવૈયા’ છંદ!. ૨ ૨ (દા દા ) ની આઠ જોડ , ઉંબરે અટક્યા તે યતિ ( ૧૬ માત્રે યતિ), પાછા સાત જોડ પગલા (દા દા) છેલ્લે ઝાંખું પગલું તે દાલ!. એમ કરતા દાદા દાદા દાદા દાદા,દાદા દાદા દાદા દાલ થયું. અરે આ તો ખરેખર ‘સવૈયા’ છંદનું બંધારણ! મારું મન આનંદ થી છંદ છંદ થઈ ઉઠ્યું. હદય માંથી જાણે મોરલો ટહુક્યો!
ત્યાં તો અમારા કામ કરવાવાળા બહેન ઘર સાફ કરી ડાઈનીંગ ટેબલ પાસે આવ્યા. આખા ઘરમાં હાલ જ પોતું કર્યું હતું, તેમાં મારા ‘સવૈયા છંદ’ના પગલા જોઈ તેમણે લગભગ રોવા જેવા અવાજે ચીસ પાડી ‘બહેન આ જુઓ સાહેબે બધું બગાડ્યું’ અને પોતું કરી ઘર સાફ કરવા લાગ્યા. હું મારા પહેલા છન્દસ ‘સવૈયા’ નું બિલકુલ ‘અછંદસ’ રીતે ખુન થતું જોઈ રહ્યો……
ડો.ભરત મકવાણા –‘મિત્ર’
જુલાઈ 15, 2010 @ 19:55:05
શ્રી ભરતભાઇ,
તમારો આર્ટિકલ વાંચી બહું મજા આવી.
તમે પંક્તિઓ કઇ લખી તે જણાવો તો કેવું?
જુલાઈ 15, 2010 @ 22:27:41
આભાર, બ્લોગ પર મુલાકાત બદલ.
મૂળ અછંદસ તથા છંદ્સ બંને રચના સાથે મુકવાની ઇચ્છા છે.
જુલાઈ 15, 2010 @ 23:10:58
‘મિત્ર’
બહુ સરસ હાસ્ય લેખ.મજા આવી.હળવું હળવું આવે હાસ્ય.સરસ પ્રયોગ છે.હાસ્ય રચનાઓ લખવી જરા અઘરું કામ છે.મેં પણ થોડી ક જ લખી છે.
જુલાઈ 16, 2010 @ 08:54:45
શ્રી ભુપેન્દ્રસિંહજી,
આપની પોઝીટીવ કોમેન્ટ બદલ આભાર. હકીકત માં આપના બ્લોગ પરથીજ હળવું લખવાની પ્રેરણા મળી છે.રોજીંદી આસપાસ દર્દી તથા તેમના સગા સાથે બનતી કરુણ ,હાસ્યાસ્પદ તથા લાગણી સભર ઘટના પર થોડું ઘણું લખેલ છે તે પણ કદાચ બધાને ગમશે.
જુલાઈ 16, 2010 @ 14:19:31
વાહ……. મજા આવી ગઈ……
મારી એક અંગત સલાહ છે આપને કે છંદનાં રવાડે ચડ્યા વિના સહજતાથી આમ જ અભિવ્યક્ત થતા રહો…. અને લાગણી વહાવતા રહો…… બાપુએ કીધું એમ નહિતર કવિ ક્લાપીજી જેવા ક્યાંક હાલ થશે…..!!!!
નવી પોસ્ટ નો આતુરતાથી ઇન્તઝાર છે…..
જુલાઈ 16, 2010 @ 18:01:03
મેડમ,
આતો પાછું એમ ના લાગે કે વગર લડે શસ્ત્રો મૂકી દીધા!
હરી નો મારગ છે શૂરાનો, નહી કાયર નું કામ.
અમે જરૂર છંદ્સ રચના બનાવશું..
હમ હોંગે કામયાબ…એક….દિન…..(વહેલા કે મોડા જરૂર! )
જુલાઈ 16, 2010 @ 22:21:16
ડૉ.સાહેબ,કલાપી કદાચિત બની જાશો ખરા હો ! 🙂
એક હળવુ હાસ્ય પણ નિકળ્યુ… ‘પપ્પા પરીક્ષામાં એવું ના પુછાય!, કવિતા તો આપેલ હોય, આપણે છંદ ઓળખવાનો હોય.તમે કોર્ષ બહારની મહેનત ના કરાવો, આવડે છે તે ય ભુલાવી દેશો.’ 🙂
બસ લખતા રહો…………
જુલાઈ 17, 2010 @ 11:34:59
અભાર આ બ્લોગ ની પ્રેરણા આપના જેવા મિત્રો દ્વારા જ મળી છે.ખરેખર બ્લોગ પર હવે કુટુંબ અને મિત્રો વચ્ચે હોઈએ તેવું લાગેછે.એમ તો કાયમ મિત્રો સાથે આવી બાબતો ચર્ચતા હોઈએ છીયે પરંતુ બ્લોગ મા મુક્યાબાદ વધુ ઉમદા ચર્ચા ને સ્થાન મળેછે.
જુલાઈ 25, 2010 @ 18:00:16
બહુજ સરસ લેખ, વ્યવસાએ તબીબ પરંતુ શોખ સાહિત્ય પ્રત્યે છે.
જુલાઈ 26, 2010 @ 11:18:28
હેમાબહેન,
આપના મંતવ્ય બદલ આભાર.
જુલાઈ 27, 2010 @ 15:29:23
બહુજ સરસ લેખ. Enjoyed a lot.
Also visit my blog. http://chavdamahesh.wordpress.com
જુલાઈ 27, 2010 @ 18:21:35
આભાર, બ્લોગ ની મુલાકાત તથા પ્રેરણા બદલ.આ રીતે વારંવાર મળતા રહીશું.
જુલાઈ 31, 2010 @ 09:37:00
ભરતભાઈ,
તમારી પોસ્ટ ગમી !
હસી, હ્રદય હલકું થયું !
અને હવે જો “છંદ”નો ડર નથી તો કંઈક હું પણ લખું >>>>
કાવ્ય જેવું !
કવિતા લખે છે કે કક્કો લખે છે ?
કહી એવું ઠપકો સૌ મને આપે છે !
ના આવડે “છંદ”, ના આવડે રાગ રાગણી,
કાવ્ય લખવા લલચાવે છે મારી જ હ્રદય-લાગણી,
છોડી “છંદ”‘ને “અછંદ”ની મોહમાયા,
વહ્યા જેમ શબ્દો તેવી કરી કાવ્ય-કાયા,
વાંચનાર વાંચી, કાવ્ય ના કહે તો શું ?
છે હૈયે ખુશી, “કાવ્ય જેવું”જો શક્ય થયું !
>>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Bharatbhai..Thanks for your visits/comments on Chandrapukar. Please do revisit !
ઓગસ્ટ 02, 2010 @ 18:13:37
ચંદ્રકાંતભાઈ આપની સ્વરચિત
‘કાવ્ય જેવું !
કવિતા લખે છે કે કક્કો લખે છે ?’
વાંચવાની મજા પડી!
આપના વિચારસાથે સહમત થઇ વધુ નવ યુવાનો કવિતા બાજુ આવે તે માટે મેં આ વિચાર ને અનુરૂપ હાસ્ય કવિતા ‘વિસ્તરે કવિ જગત આસમાને…’ બ્લોગ પર થોડા સમય પહેલા મુકેલ….આપે કદાચ ન વાંચી હોય તો વાંચજો! સરખા વિચારો ને લીધે મળતા રહીશું!
ઓગસ્ટ 08, 2010 @ 22:13:59
Thank you very much for sharing this. Please keep up the good work.
ઓગસ્ટ 12, 2010 @ 14:52:27
“પેશન્ટ જોવામાં ધ્યાન રાખજે આ કવિતા ની લ્હાયમાં એકાદું ઉપડી નાં જાય!’
વાહ……. મજા આવી ગઈ……
ઓગસ્ટ 12, 2010 @ 17:54:29
પરેશભાઈ,
‘શબ્દનાદ’ એટલે અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલી! સુંદર કલ્પના અને એટલુંજ સુંદર લખાણ! ફરી ફરી વાંચવા આવતા રહેશું!
સપ્ટેમ્બર 10, 2012 @ 00:07:48
પ્રથમ થયું કે આપે કોઇ સાહિત્યકાર ભાડે રાખેલ છે અથવા સ્ટાફમાં કોઇ છે પરંતુ ફિડબેક વાંચીને પ્રતિતિ થઇ કે આપ સાહિત્યમાં પણ ડૉકટર છો..હવે વિચાર આવે છે કે તબીબ બનેલ વ્યક્તિને ખરેખર ડૉક્ટરની જગ્યાએ ‘લોર્ડ’ની પદવી મળવી જોઇએ.